નાનપણમાં જ્યારે હું ઇતિહાસમાં રાજાશાહીના ચરિત્રોનુ વાંચન કરતી ત્યારે મનમાં એક અદ્ભુત લાગણીનો અનુભવ થતો હતો. રાજા, રજવાડાં, રાજકુંવર શબ્દો એક સ્વપ્નની દુનિયાનો અનુભવ કરાવતા હતા અને આજે આ સ્વપ્ન સત્ય પુરવાર થયુ છે. આજે આપણે સૌ રાજાશાહી યુગમાં જીવી રહ્યા છે ફરક માત્ર એટલો છે કે ધરતીનો ખૂણો બદલાઇ ગયો છે. કહેવાને માટે તો આ પારકો દેશ છે પરંતુ શુકુન તો અહી પણ મળે છે.આ દેશના કાયદા અને સુરક્ષા વ્યવસ્થા ને કારણે આપણે સૌ સુખમય જીવન જીવી શકીયે છીયે. એક વેરાન રણને ધબકતાં અને ઝબકતાં શહેરમાં રુપાંતર કરવાનુ કાર્ય સહેલુ નથી અને એક રાજાશાહી દેશનાં વિકાસનાં સાક્ષી આપાણે સૌ છીએ.
આજે મારે પરાક્રમી, રાજા ચ્ંદ્રગુપ્ત મૌર્યની વાત કરવી છે. મહદઅંશે રાજાશાહી સૌને વારસામાં મળતી હોય છે પર્ંતુ ચંદ્રગુપ્ત મૌર્ય તેમાં અપવાદ છે. મગધનો રાજા મહાપદમન્ંદ આસપાસનાં નાના ગામો પર હુમલો કરી અને તે ગામોને પોતાના કબ્જામાં લેતો હતો.
રાજા મહાપદનંદે પિપ્લવન ગામ પર હુમલો કર્યો અને આ હુમલામાં ચંદ્રગુપ્ત મૌર્યનાં પિતાનું અવસાન થયુ અને તેની માતા ભાગી જવામાં સફળ રહી. તે સમયે ચંદ્રગુપ્ત મૌર્ય માતાનાં ગર્ભમાં હતો ચંદ્રગુપ્ત મૌર્યની માતા મૂરાદેવી ભાગીને પાટલિપુત્રમાં આવીને રહ્યાં.માતા મૂરા દેવીને ચંદ્રગુપ્ત મૌર્યનાં ઉછેરમાં અનેક કઠણાઇઓનો સામનો કરવો પડ્યો.મૂરાદેવી બાળક ચંદ્રગુપ્તને સાહસિક વાર્તાંઓ કહેતા અને સાથે સાથે જણાવતાં કે તુ કોઇ સાધારણ બાળક નથી. તુ રાજકુમાર છે અને તારા પિતા પિપ્લવનનાં રાજા હતાં અને રાજા મહાપદમન્ંદે તારા પિતાનો વધ કર્યો છે. માતા મૂરાદેવી ચંદ્રગુપ્તને અહેસાસ કરાવતાં કે તારે પિતાનાં વધનો બદલો લેવાનો છે. ચંદ્રગુપ્ત નાનપણથી જ પરિશ્રમી, કુશાગ્ર બુધ્ધિનાં અને ધૈર્યવાન હતાં તેમાં તેમનો સંપર્ક ગુરુ ચાણ્કય સાથે થયો. આચાર્ય ચાણ્કયનાં સાનિધ્યમાં ચંદ્રગુપ્તે તક્ષશિલાં વિધાપીઠમાં અનેક ક્ષેત્રોમાં અધ્યયન શરુ કર્યુ અને અહી તેમનું સ્ંપૂર્ણ વ્યકતિત્વ બદલી ગયુ.
ચંદ્રગુપ્તનો અભ્યાસ પૂર્ણ થઇ ચૂક્યો હતો અને આચાર્ય ચાણ્કય ઇચ્છતાં હતાં કે ચંદ્રગુપ્ત હવે દેશ સેવામાં સ્વને સમર્પિત કરી દે. આ એ સમય હતો જ્યારે ભારત નાના નાના રાજ્યોમાં વહેચાયેલો હતો. શકિતશાળી રાજા આસપાસનાં નાના રાજાઓને હરાવી તેમની જગ્યા કબ્જે કરતાં હતા. નાની નાની લડાઇઓને કારણે ભારતની આંતરિક શકિત ક્ષીણ થઇ રહી હતી. વિદેશી હુમલાવરો ભારત પર આક્રમણ કરી વિજય પ્રાપ્ત કરી રહ્યા હતાં. એવામાં રાજા ફિલિપનો પુત્ર સિંકદર લગાતાર ભારત પર વિજય મેળવી રહ્યો હતો. સિંકદર પાસે વિશાળ સેના અને અનેક શસ્ત્રો હતા. જ્યારે ચાણ્કય અને ચંદ્રગુપ્ત પાસે માત્ર કેટલાક વિધાર્થીઓ. આ સમયે ચાણ્કય અને ચંદ્રગુપ્તે લૂંટારુ અને વનવાસીઓને પોતાના સૈનિકો બનાવ્યાં. તેમને તાલીમ આપી અને સાથે સાથે તેમણે ભારત સંઘની રચના કરી જેમાં અનેક નાના રાજ્યોને સમાવી લેવામાં આવ્યા. ચંદ્રગુપ્ત તેમને સિંકદર અને અન્ય વિદેશી રાજાઓ સામે રક્ષણ આપતાં અને બદલામાં તેમના સૈનિકો અને શસ્ત્રોનો ઉપયોગ કરતા હતા. ચંદ્રગુપ્તને સૌ પ્રથમ વિજય ઇ.સ. ૩૧૭માં પંજાબમાં મળ્યો. અહીથી તેમની વિજય યાત્રા શરુ થઇ અને માત્ર પાંચ વર્ષનાં ટૂંકા ગાળામાં તેઓ ભારતના સમ્રાટ બન્યાં. તે સમયે ભારત ભૌગોલિક દ્રષ્ટિએ એક મહાદ્વિપ હતો અને એક પણ રાજાએ આટલી મોટી ઉપલબ્ધિ મેળવી નહોતી. ભારત જ્યારે અનેક રજવાડાઓમાં ખંડિત થઇ ચૂક્યો હતો અને દિશા વિહિન બન્યો હતો તે સમયે ચંદ્રગુપ્ત મૌર્યે ભારત દેશમાં આમૂલ પરિવર્તન આણ્યુ અને દેશને વિકાસના માર્ગ પર લાવી દીધો.
ચંદ્રગુપ્ત એક કુશળ યૌધ્ધા, સેનાનાયક તથા મહાન વિજેતાની સાથે સાથે એક યોગ્ય શાસક હતાં. આજે જ્યારે ફ્રેંચાઇઝની બોલબાલા છે ત્યારે દુબઇના મેક્ડોનાલ્ડ્માં અને ગુજરાતના કોઇ મેક્ડોનાલ્ડ્માં આપણને સમાનતા જોવા મળે છે તેનુ કારણ છે ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ પર્ંતુ વર્ષો પહેલા કોમ્યુનીકેશનના સાધનોનો તદન અભાવ હોવા છતાં પણ ચંદ્રગુપ્તે બહુ વિશાળ ધરતી પર એક સમાન શાસન વ્યવસ્થા બનાવી. કહેવાય છે કે ઉત્તર પશિચમમાં પર્શિયાની સીમાથી લઇ ગંગાના મેદાની ભાગ અર્થાત કાશ્મીર અને નેપાલ સુધી ચંદ્રગુપ્ત મૌર્યનુ રાજ્ય હતું. પશીચમમાં કાઠિયાવાડથી લઈ પૂર્વનાં બંગાળ સુધીનાં સપૂર્ણ વિસ્તાર પર ચંદ્રગુપ્તે રાજ્ય કર્યુ છે. દક્ષિણમાં માત્ર કેરલ સ્વતંત્ર રાજ્ય હોવાનું માનવામાં આવે છે. તે સિવાયના સમગ્ર દક્ષિણ પટ પર ચંદ્રગુપ્તે એકચક્રી શાસન કર્યુ છે.
ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થાનો ઉદેશ્ય લોકહિત હતો જ્યાં આર્થિક વિકાસ અને રાજ્યની સમ્રુધ્ધિ માટે અનેક પગલા લેવામાં આવતા હતા. રાજ્યમાં સુરક્ષ વ્યવસ્થા અજોડ હતી. નોકરો અને કર્મચારીઓ માલિકોના અત્યાચારનો ભોગ ન બને તે માટે કડક નિયમો રાખવામાં આવ્યા હતા. અહી વ્યકિત સ્વતંત્રતાનો અભાવ જોવા મળે છે જેની પાછળનો ઉદેશ્ય સમાજમાં વ્યવસ્થા જાળવી રાખવાનો હશે.
આવતા અંકે આપણે ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા અને તેનો ગુજરાતમાં ફાળો વિશે જાણશુ.
Article submited by Ms Jagruti Gotecha
પ્રોફેશનલી તેઓ લેબોરેટરી ટેક્નશીયન છે સાથે સાથે તેઓ બે સંતાનોના માતા હોય તેમને ઘરે રહી બાળકોના ઉછેરને પ્રાધાન્ય આપ્યુ છે. ૨૦૧૩માં યોજાયેલ યુ.એ.ઇ.સુપર મોમ સ્પર્ધમાં તેઓ તેમની સ્વરચિત કાવ્યના આધરે ફાઇનલ સુધી પહોચ્યા હતા તેમજ ૨૦૧૫માં યોજાયલ ગુજરાતી વ્કતૃત્વ સ્પર્ધામાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. ગુજરાતી ભાષા પ્રત્યેની અગમ્ય રુચિના કારણે જ તેઓ આપણી સાથે જોડાયા છે અને અમને વિશ્વાસ છે કે તેઓ “ગુજરાતની ભવ્ય ગાથા ” કોલમ દ્વારા વાચકોને ગુજરાત વિશેની અદભુત અને રસપ્રદ વાતો કહેવામાં સફળ રહેશે.