ધરબાયેલો ચિત્કાર (ભાગ-૩)

0
488

ગાડીની બ્રેક ફેઈલ થવાના કારણે ઘટા હવે પૂરી રીતે ગભરાઈ ચુકી હતી અને જાણે પોતાનું મોત સામે દેખાઈ રહ્યું હોય એમ છેલ્લી વાર ઇશાનને જોવા માટે પાછળ ફરી.

પાછળ જોયું તો ઇશાન પણ એની પાછળ બાઈક લઈને આવી રહ્યો હતો અને ઘટાએ તેને એક સ્મિત કરીને જાણે આંખના ઇશારે જ અલવિદા કહી રહી હોય એમ જોયું. અચાનક ગાડીનું હેન્ડલ વળી ગયું અને ગાડી બસની જગ્યાએ સીધી જ રોડની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાઈ. ઘટાની આંખ સામે અંધારા સિવાય કશું જ નહોતું અને તેને માથાના ભાગે વાગવાથી બેભાન થઇ ચુકી હતી.

ઇશાન ઘટાની પાછળ જ આવી રહ્યો હતો એટલે તેણે તો આ બધું નજરે જોયું હતું એટલે એ પણ અંદરથી હચમચી ગયો હતો. ઘટા પાસે પહોચીને તરત જ તેણે એમ્બ્યુલન્સને ફોન કર્યો અને થોડી જ વારમાં ઘટાને હોસ્પિટલમાં એડમીટ કરી દીધી.

ડોકટરે પ્રાથમિક ચેકઅપ બાદ કહ્યું કે માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ઈશાને એક સેકંડ પણ વિચાર્યા વગર મંજુરી આપી દીધી અને તરત જ ઘટાને ઓપરેશન થીયેટરમાં ખસેડાઈ. લોહીથી તરબોળાયેલો ઇશાનનો શર્ટ ઇશાનને ડરાવી રહ્યો હતો કેમ કે ખુબ બધું લોહી વહી ચુક્યું હતું. ઇશાન અત્યારે કશું પણ વિચારવાની સ્થિતિમાં નહોતો પરંતુ એક વાત તેના મગજમાં ઠસાયેલી હતી કે આ બધું જે કંઈ થયું એમાં વાંક એનો પોતાનો જ હતો અને એનાથી વધારે વાંક હતો સેન્ડીનો કે જે હર વખતે આવા જ મેસેજ કર્યા કરતી.

થોડીવાર પછી અચાનક સેન્ડીનો ફોન આવ્યો અને ઈશાને ફોન કાપી નાખ્યો. સેન્ડીએ ફરીવાર ફોન લગાવ્યો અને ફરીવાર ઈશાને કાપી નાખ્યો. સેન્ડીએ આવી જ રીતે ઉપરાછાપરી ૭-૮ ફોન લગાવ્યા પરંતુ એકેયના જવાબ ઈશાને નાં આપ્યા. ઇશાન કશું જ બોલી શકવાની સ્થિતિમાં હતો જ નહિ તો ફોન કેવી રીતે ઉપાડેત ?

આમ પણ ઇશાન તો સેન્ડી પ્રત્યે કોઈ જ પ્રેમની લાગણી નહોતો રાખતો. પરંતુ હા તે તેને પોતાની સૌથી ખાસ દોસ્ત માનતો હતો. સેન્ડી હંમેશા મજાક કર્યા કરતી અને એના કારણે સેન્ડીએ કરેલા મેસેજને તે કોઈ દિવસ સીરીયસ નાં લેતો અને તેના કારણે જ આજે આ ઘડી આવી પહોચી હતી. ઈશાને કોઈ દિવસ સેન્ડીને એ નજરે જોઈ જ નહોતી કે સેન્ડીને ગેરસમજ ઉભી થાય. આ તો નાનપણથી જ સેન્ડીને સાચવવાની ટેવ અને એની સંભાળ રાખવાની આદતને સેન્ડી પ્રેમ સમજી બેઠી હતી. પરંતુ આ બધી ચોખવટ હવે કેવી રીતે કરશે ? ઘટાને પોતે આ બધું કંઈ રીતે સમજાવશે ? શું ઘટા માનશે ? સેન્ડી કશું આડું-અવળું તો નહિ કરી બેસે ને ?

વિચારોના મહાયુદ્ધમાં અટવાયેલો ઇશાન મોબાઈલમાં વાયબ્રેટ થતા જોવા લાગ્યો. સેન્ડીના કેટલા બધા મેસેજ હતા જેમાં લખ્યું હતું કે “ક્યા છે તું ? મારો ફોન કેમ નથી ઉપાડતો ? મને એટલી તો ખબર છે જ કે તું ઓફીસમાં નથી અને ઓફીસના કોઈ કામથી બહાર પણ નથી ગયો. તો પછી તું છે ક્યા ? જવાબ તો આપ.”

ઈશાને કશું લખવાને બદલે વોટસપ પર પોતાનું લોકેશન મોકલી દીધું. એવું તેણે જાતે કરીને કર્યું હતું કે પછી આપોઆપ એ વિચારને ચોખવટ કરવાના ઈરાદાથી મોકલ્યું હતું એ તે પણ નહોતો જાણતો. બસ ગુમસુમ બનીને ઓપરેશન થીયેટરની બહાર બેસી ગયો હતો.

સેન્ડીના મોબાઈલમાં મેસેજ બ્લીંક થયો. મેસેજમાં લોકેશન જોતા જ સેન્ડી સફાળી બેઠી થઇ ગઈ. તેના ચેહરાની રેખાઓ તંગ બની ગઈ હતી. ઇશાન હોસ્પિટલમાં છે ? શું થયું એને ? કે પછી બીજા કોઈકને કશું થયું હશે ? આવું બધું વિચારતાની સાથે તો સેન્ડી ક્યારની પોતાની કારમાં ગોઠવાઈ ગઈ હતી અને ઘરની બહાર પણ નીકળી ગઈ હતી.

હોસ્પિટલ પહોચીને જોયું તો ઓપરેશન થીયેટરની બહાર વિખરાયેલા વાળ, શર્ટના ઉપરના ૨ બટન ખુલ્લા અને આખા શર્ટ પર લોહીના ડાઘા અને ઈશાનનો આંસુવાળો ચેહરો જોઇને સેન્ડી થોડીવાર માટે ડરી ગઈ. તે તેની પાસે જઈને બેઠી પરંતુ ઇશાનને તેની હાજરીની હજુ સુધી ખબર જ નહોતી. સેન્ડીએ હળવેથી ઇશાનના ખભા પર હાથ મુક્યો અને હળવેથી “ઈશુ” બોલી.

ઇશાન અચાનક વિચારોના એ વંટોળમાંથી સીધો જ વર્તમાનમાં પટકાયો અને ઝબકીને સેન્ડી તરફ જોયું અને અચાનક સેન્ડીનો હાથ ખસેડીને ત્યાંથી ઉભો થઇ ગયો. ઇશાનનું આવું વર્તન જોઇને સેન્ડી પણ થોડી વાર માટે ચોકી ગઈ. અને અચાનક કશુક યાદ આવતા ઓપરેશન થીયેટરના કાચમાંથી જોવા લાગી પરંતુ ચેહરો નાં દેખાતા આખરે ઇશાનને પૂછ્યું.

“આ કોણ છે ઈશુ ?”
“ઘટા”

નામ સાંભળતા જ સેન્ડી સ્તબ્ધ થઇ ગઈ. અચાનક તેનો સ્વાર્થ જાગી ઉઠ્યો. આ એ જ નામ હતું જેણે પોતાની જિંદગીની ખુશીઓ છીનવી લીધી, આ એ જ છે જેણે પોતાનો ઈશુ છીનવી લીધો હતો. એની સજા તો એને મળવી જ જોઈતી હતી. ત્યાં જ પછી પોતાની જાતને સંભાળી અને ફરીવાર પૂછ્યું, “કેમ કરતા થયું ? શું થયું ? ડોક્ટર શું કહે છે ?”

ઈશાને અતઃ થી ઇતિ સુધીની બધી જ વાત કરી. સાંભળીને એક રીતે તો સેન્ડીના હૃદયમાં ટાઢક વળી રહી હતી પરંતુ બહારથી તો તે પણ ખોટો ઢોંગ કરી રહી હતી. સેન્ડી હવે ત્યાં જ ફરી બેસી ગઈ હતી અને તે પણ વિચાર કરવા લાગી પરંતુ એના મગજમાં તો કશુક નવું જ કોતરાઈ રહ્યું હતું. જાણે કોઈ મોટો ગઢ જીતી હોય એ રીતે એ અંદરને અંદર હસી રહી હતી જે ખુશી ચેહરા પર અંશતઃ દેખાઈ રહી હતી. ઇશાન તો પોતાનામાં જ ખોવાયેલો હતો એટલે એવું કશું જોવા નહોતો જવાનો એટલે સેન્ડીની આ હરકત તે જોઈ નાં શક્યો. સેન્ડીનું મગજ હવે કપટી બની રહ્યું હતું. કશુક રંધાઈ રહ્યું હતું તેના આ ખુરાફાતી દિમાગમાં જે સમજની બહાર હતું પરંતુ ભયાનક હતું.

===***===***===

આજના દિવસે

ઇશાનની ઓફીસમાં છેલ્લા કેટલાક સમયથી ફક્ત એક જ નામ દરેક એમ્પ્લોયીના મોઢા પર હતું કે જેને કારણે આજે કંપનીને એક એવો પ્રોજેક્ટ મળ્યો હતો જેનાથી કંપનીને કરોડો રૂપિયાનો બીઝનેસ મળે એમ હતો. પોતાની ટેલેન્ટ, આવડત અને પ્રોફેશનાલિઝમ નાં કારણે વિદેશની કોઈ કંપનીએ આ કંપનીને ખુબ મોટો ઓર્ડર આપ્યો હતો જેના કારણે ઓફીસમાં તેની વાહ વાહ થઇ રહી હતી.

અચાનક આવેલા એક રિઝયુમ પર ઇશાનની ઉડતી નજર પડી હતી જેમાં તેનો રેકોર્ડ ખુબ જ હાઈ લેવલનો લાગી રહ્યો હતો. કંપનીના અનુભવોની લીસ્ટ જોતા ઇશાનને લાગ્યું કે આ કઈક તો એવું હશે જ આમાં કે જેના કારણે ટ્રેક રેકોર્ડ આટલો સારો આવી રહ્યો છે. કંપનીમાં આમ તો કોઈ વેકેન્સી ખાલી નહોતી પરંતુ આ રિઝયુમ જોઇને એકવાર મળવા જેવું તો લાગ્યું એટલે ઈશાને તેની સાથે મીટીંગ ફિક્સ કરી દીધી હતી.

નક્કી કરેલા દિવસે ઓફીસમાં નક્કી કરેલા ટાઈમે એક ૨૮ વર્ષની એક યુવાન છોકરી પહોચી. ૫ ફૂટ ૫ ઇંચની હાઈટ, એટલો આકર્ષક નહિ પરંતુ ઘઉંવર્ણો દેખાવ, એકદમ સિલ્કી વાળ પરંતુ એકદમ કસકીને બાંધીને જાણે તે તેના પર જુલમ કરી રહી હતી. ચેહરા પર અમુક જગ્યાએ નાની નાની ફોલ્લીઓ, એકદમ પાતળી પાંદડી જેવા હોઠ, મોટી ભાવવાહી આંખો, કાનમાં પહેરેલી માત્ર એક જ મોતીની બુટ્ટી, સપ્રમાણ શરીરનો બાંધો, પરંતુ તેના ચેહરા પર એક ગજબનું તેજ હતું. તે ભલે એટલી રૂપાળી નહોતી લાગતી પરંતુ એક બ્લેક બ્યુટી હતી. વાઈટ કલરનો શર્ટ અને બ્લેક પેન્ટ અને સાથે બ્લેક કોટ, એકદમ પ્રોફેશનલ લાગતી આ યુવતી રજા લઈને ઇશાનની ઓફીસમાં દાખલ થઇ.

ઇશાન ઓફીસના કાચ પાસે ઉભો ઉભો બહારની બાજુ જોતા જોતા ચાની ચુસ્કીઓ લઇ રહ્યો હતો. અચાનક કેબીનનો દરવાજો ખુલતા જ ઇશાનની નજર આ યુવતી પર પડી અને જાણે એના હૃદયમાં ઊંડે સુધી કોઈ લાગણીઓના સમંદરને હલબલાવી ગયું.

ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વિંધે,
ફુલોને પુછ્યું સરનામું, એ તારી તરફ આંગળી ચીંધે…

ઇશાનના હાથમાં કપ એમને એમ રહી ગયો અને બસ તે યુવતીને જોતો રહ્યો. જાણે તેણે કશું જોયું જ નાં હોય એમ પાછો પોતાની ખુરશી પર આવીને બેસી ગયો. એકદમ ફોર્મલ ઇન્ટરવ્યુ લેવાયો, કામની પૂછપરછ થઇ. બધી વિગતો પરફેક્ટ લાગતા સેલેરી અને સુવિધાઓની વાત થઇ. અડધી કલાકના ઈન્ટરવ્યું બાદ એ છોકરી ત્યાંથી નીકળી ગઈ. પરંતુ ઇશાનના હૃદયના હાલ બગાડતી ગઈ. ઇશાન તો બસ એકલો એકલો એનું નામ રટી રહ્યો હતો. “સદિયા”

नहीं बसती किसी और की सूरत अब इन आँखो में..
काश कि हमने तुझे इतने गौर से ना देखा होता…

ઓફીસમાં ટાઈમ ટુ ટાઈમ આવવાનું, પોતાના ડેસ્ક પર રહેલું બધું જ અધૂરું કામ પૂરું કરવાનું, દરેક કામનો પ્રોગ્રેસ રીપોર્ટ ઇશાનને આપવાનો, ટાઈમ પૂરો થાય એટલે એક મિનીટની પણ રાહ જોયા વગર ઘરે જતું રહેવાનું. ઓફીસમાં કોઈ જોડે કામ સિવાયની વાતો સદિયા નાં કરતી. પરંતુ જે પણ વાત કરતી તે એકદમ મેનર સાથે અને મીઠાશથી કટ ટુ કટ પોઈન્ટ સાથે વાત કરતી. આથી, જે કોઈ પણ એની સાથે વાત કરતુ તે ઈમ્પ્રેસ થયા વિના રહી નાં શકતું. પોતાના કામ સાથે કામ રાખતી સદિયા એકદમ પ્રોફેશનલ છોકરી હતી કે જે પોતાની પર્સનલ વાતો કોઈને પણ નાં કરતી. ઘણા દિવસો પછી ઓફીસમાં કોઈને હજુ પણ એનું ઘર ક્યા છે એ પણ ખબર નહોતી.

સદિયાના ઓફીસમાં આવ્યા પછી ઇશાનનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું. હવે તે વધારે ને વધારે સમય ઓફીસમાં જ ગાળતો, પહેલા તો ઘટા બોલાવતી ત્યારે મળવા ચાલ્યો જતો પરંતુ કોઈને કોઈ કારણ આપીને મળવા જવાનું કેન્સલ કરી નાખતો. ઘટા એમ સમજીને જતું કરતી કે હમણા કોઈ પ્રોજેક્ટ હશે તો પૂરો કરવામાં હશે. હું જ ખોટી ડીસ્ટર્બ કરી રહી છું એમને. પરંતુ આ ઘટાને એ ક્યા ખબર હતી કે તેની વચ્ચે સગાઇ તોડવા સુધીની વાતનું એક કારણ આ સદિયા જ બનશે.

===***===***===

૪ મહિના પહેલા..

ઓપરેશન પછી ડોકટરોનું કહેવું હતું કે માથામાં વધારે પડતો માર લાગવાના કારણે મગજમાં ઈજા થઇ હતી જેના કારણે તેનામાં એક ડર પેસી ગયો છે. કોઈ પણ નાની તકલીફવાળી વાતમાં પણ તેને સંભાળવી મુશ્કેલ બનશે. એટલે અત્યારે ઘટાને કોઈ પણ પ્રકારનું ડીસ્ટર્બ થાય એવી વાતો કરવાની નથી. એને ફક્ત ખુશ રાખવાની છે, સારી સારી વાતો કરવાની છે જેનાથી તેનો કોન્ફિડેન્સ વધે.

ઇશાન ઘટા પ્રત્યે હવે વધારે કેરફુલ બની ગયો હતો. ઓફીસમાંથી ૧૫ દિવસની રજા લઇ લીધી હતી જેથી તે ઘટા સાથે પુરતો સમય ગાળી શકે. તે આખો દિવસ ઘટા જોડે જ રહેતો, તેની સાથે વાતો કરતો, મસ્તી મજાક કરતો રહેતો. આ બધી કેરનાં કારણે તે સેન્ડીને સરખા જવાબ નહોતો આપતો, તેના મેસેજના રીપ્લાય પણ નહોતો કરતો. જેના કારણે હવે સેન્ડી પોતાના મગજ પરનો કાબુ ગુમાવી રહી હતી. તેને હવે કોઈ પણ ભોગે ઇશાન જોઈતો હતો. તેના માટે તે ગમે તે પગલું ભરે તેમ હતી.

પ્રેમ જ્યારે ફક્ત પ્રેમ હોય છે ત્યારે ભગવાનને પણ ઝુકાવી દેવા માટે સક્ષમ હોય છે પરંતુ પ્રેમમાં જ્યારે ઈર્ષ્યા ભળતી હોય છે ત્યારે દુનિયાની સમગ્ર શક્તિને ઝુકાવતા પણ અચકાતો નથી હોતો. પ્રેમમાં ભળેલી ઈર્ષ્યા અને સાથે રહેલો સ્વાર્થ હંમેશા ઝંઝાવાતો સર્જતા હોય છે. સેન્ડી હવે તે લેવલમાં આવી ગઈ હતી કે ગમે તેનું નુકશાન થાય પરંતુ તેને ફક્ત પોતાનો ફાયદો જ દેખાઈ રહ્યો હતો.

૧૫ દિવસમાં તો ઘટામાં ઘણો સુધારો હતો. તેની તબિયત દિવસેને દહાડે સારી થતી જતી હતી. ઘટાનો ઇશાન પ્રત્યેનો પ્રેમ હવે બમણો થઇ ગયો હતો. પરંતુ એક દિવસ જ્યારે ઇશાન ઓફીસ ગયો ત્યારે અચાનક સેન્ડી ઘટાના ઘરે જઈ પહોચી.

“અરે આવ આવ સંધ્યા, બેસ”, ઘટાએ મહેમાનગતિ કરતા કહ્યું.

સંધ્યા ત્યાં પાસે જઈને બેસી અને ઘટાની તબિયત પૂછવા લાગી.”હવે કેમ છે તને ?”
“હું તો એકદમ મજામાં. જ્યારથી ઇશાન મારું ધ્યાન વધારે રાખવા લાગ્યો છે ત્યારથી તો હું એકદમ સારી થઇ ગઈ છું.”, ઘટાએ ઉત્સાહ દેખાડતા જવાબ આપ્યો. ઘટાનો આ જવાબ સાંભળીને સંધ્યાની અંદર રહેલી સેન્ડી ઉશ્કેરાણી પરંતુ અત્યારે તો કશું બોલી શકે તેમ નહોતી.

ઘટા અલકમલકની વાતો કરતી રહી પરંતુ સેન્ડીના મગજના વિચારો અત્યારે બુલેટ ટ્રેનથી પણ વધારે ઝડપથી દોડી રહ્યા હતા. તેણે અચાનક પોતાનો મોબાઈલ કાઢ્યો અને તેના અને ઇશાનના એકદમ ક્લોઝ લાગે તેવા ફોટોગ્રાફ્સ બતાવ્યા. બંને વચ્ચે થયેલી વાતચિતમાં “આઈ લવ યુ જાન” જેવા શબ્દો હોય તેવા મેસેજ પણ બતાવ્યા. અને ઘટાનાં કાન ભરવાનું શરુ કર્યું.

ઘટાને થોડીવાર માટે તો કશી સમજ નાં પડી પરંતુ ઇશાનના આવા ફોટા જોઇને તે ડઘાઈ ગઈ. તેના મગજમાં એક ઝાટકો લાગ્યો. “શું ઇશાન આ સંધ્યાને પ્રેમ કરતો હશે ? તો પછી મારી સાથે જે સગાઇ થઇ છે એનું શું ?”

ત્યાં જ સેન્ડી બોલી, “કેમ ? શું વિચારમાં પડી ગઈ ? એ તારો વહેમ છે કે ઇશાન તને પ્રેમ કરે છે. હકીકતે તો એ મને પ્રેમ કરે છે. એ તને ચીટ કરી રહ્યો છે. તારી સામે ફક્ત સારા હોવાનું નાટક કરી રહ્યો છે. અને તને એક વધુ વાત કહું ?

“તારો જ આ ઇશાન થોડા દિવસ પહેલા મારી સાથે રાત ગાળી ચુક્યો છે.”
………………………………………
વધુ આવતા અંકે.