લાંબા અને ભરાવદાર વાળ માટે ઉપયોગી વસ્તુઓ

0
471

આજકાલ વાળ પ્રત્યે લોકો સભાન થયા છે. એમાંય અત્યારે તો સ્ત્રીઓમાં ખુલ્લા વાળ રાખવાની ફેશન ખૂબ જ ચાલી છે. કોઈપણ યુવતી કે મોટી ઉંમરની સ્ત્રી પણ કેમ ન હોય તેમને વાળ ખુલ્લા જ રાખવા ગમે છે. પરંતુ એવું ત્યારે જ શક્ય બની શકે જ્યારે તમારા વાળ લાંબા અને સ્વસ્થ હોય. લાંબા અને ઘાટ્ટા વાળ અને વિવિધ હેયર સ્ટાઈલ સ્ત્રીના વ્યક્તિત્વમાં નિખાર લાવે છે. જેથી આજે અમે તમને ખરતાં વાળની સમસ્યા માટે એવી જડીબૂટ્ટીઓ લઈને આવ્યા છે જેનો પ્રયોગ કરવાથી વાળ લાંબા અને ઘાટ્ટા પણ થશે.

વાળ સંબંધી સમસ્યાઓ
આજની ફાસ્ટ અને ખરાબ જીવનશૈલીને કારણે વાળની અનેક સમસ્યાઓથી કોઈપણ સ્ત્રી અળગી રહી નથી. અત્યારે 10માંથી 9 સ્ત્રીઓને કોઈને કોઈ રીતે વાળની સમસ્યાઓ પજવી રહી છે. સામાન્ય રીતે દર મહિને વાળની લંબાઈ લગભગ 1.25 સેમી. વધે છે. પરંતુ જો તમારા વાળ ન વધી રહ્યા હોય કે વાળની કેટલીક સમસ્યાઓને કારણે વાળ લાંબા થતાં અટકી રહ્યા હોય તો આજે અમે તમને એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું જે ખાસ વાળ માટે જ છે અને વાળ માટે વરદાન સમાન પણ છે. તો ચાલો આજે જાણી લો.

 

એલોવેરા અને મધ
ત્વચાની સાથે એલોવેરા વાળ માટે પણ વરદાન સમાન છે. એલોવેરામાં વિટામિન, સેલેનિયમ અને અન્ય કેટલાક પ્રકારના પોષક તત્વો હોય છે જે વાળને લાંબા થતાં અટકાવતા અને વાળના દુશ્મન ડેન્ડ્રફને જડથી સાફ કરે છે. જેથી વાળ લાંબા સ્વસ્થ અને મજબૂત બને છે. સ્કેલ્પ પર એલોવેરા જેલ આખી રાત લગાવી રાખવું, પછી સવારે તેને સરખી રીતે ધોઈ લેવું. આ સિવાય એલોવેરામાં સરખા પ્રમાણમાં મધ મિક્ષ કરીને તેની પેસ્ટ પણ વાળમાં 30 મિનિટ માટે લગાવી શકો છો ત્યારબાદ વાળ પાણીથી ધોઈ લેવા, આ પ્રયોગ તમારા વાળનો ગ્રોથ વધારશે અને વાળને હેલ્ધી રાખશે.

 

ઈંડા
ઈંડામાં રહેલાં પોષક તત્વો શરીર માટે જ નહીં પરંતુ વાળ માટે પણ બહુ લાભકારક હોય છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, સેલેનિયમ, ફોસ્ફોરસ, ઝિંક, આયર્ન, સલ્ફર અને આયોડીન હોય છે જે વાળને ખરતાં અટકાવે છે. આ પોષક તત્વો વાળને લાંબા કરવામાં પણ બહુ જ મદદ કરે છે. ઈંડાની સફેદીમાં થોડુક જેતૂનનું તેલ અને મધને સરખી રીતે મિક્ષ કરીને તેની પેસ્ટ વાળમાં લગાવીને એક કલાક બાદ વાળને સરખી રીતે શેમ્પૂથી ધોઈ લેવા. આવું કરવાથી વાળને લાંબા થવા માટે જે પોષણની જરૂર હોય છે તે મળે છે. જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ  કરે છે.

 

આમળા
આમળા એક સર્વશ્રેષ્ઠ ફળ છે જેનો ઉપયોગ આયુર્વેદમાં અનેક ઔષધીઓમાં કરવામાં આવે છે. આમ તો આમળાનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. વાળ માટે આમળાનું સેવન પણ કરી શકાય અને તેને વાળમાં પણ લગાવી શકાય છે. આમળામાં કેરોટિનાયડ જેવા પોષક તત્વો હોય છે જે વાળને વધારવામાં મદદ કરે છે. જો તમને વાળ સફેદ થવાની સમસ્યા હોય તો વાળમાં આમળા અને અરીઠાનું પાઉડર લગાવવાથી બહુ ફાયદો થશે. આમળાનું જ્યૂસ સપ્તાહમાં એકવાર પીવાથી વાળ ઝડપથી વધવા લાગે છે અને વાળ સ્વસ્થ બને છે.

 

જાસૂદનું ફુલ
જાસૂદના ફુલને વાળ માટે વરદાન માનવામાં આવે છે. જાસૂદના ફુલમાં આયરન, ફોસ્ફોરસ, કેલ્શિયમ, રાઈબોફ્લોબિન, થિયામિન, નિયાસિન અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જાસૂદના તાજા ફુલના રસમાં જેતૂનનું તેલ મિક્ષ કરીને ઉકાળવું જ્યારે પાણી એકદમ સૂકાઈ જાય ત્યારે તેને બોટલમાં ભરી લેવું. દરરોજ સ્નાન કરતાં પહેલાં વાળના મૂળમાં  સરખી રીતે લગાવવું. આવું નિયમિત કરવાથી વાળ લાંબા અને શાઈની બને છે.

 

લીંબનો રસ
લીંબૂનો રસ માથાની ત્વચાના પીએચને સંતુલિન કરે છે અને વાળના વિકાસને પણ વધારે છે. લીંબૂનો પ્રયોગ કરવા માટે એક મુઠ્ઠી બદામ લઈને તેને રાતે પલાળી દેવું, જેથી બદામ ફુલી જાય. સવારે બદામને છોલીને તેને પીસી લેવી. હવે તેમાં બે ચમચી લીંબૂનો રસ મિક્ષ કરીને તેને માથામાં લગાવી સરખી રીતે મસાજ કરવું. પછી તેને 20 મિનિટ માટે રહેવા દેવું. જ્યારે તે સૂકાઈ જાય પછી વાળ ધોઈ લેવાં. વાળને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવા અને ગ્રોથ વધારવા માટે આ ઉપાય અજમાવી શકો છો.

 

મસાજ
વાળમાં તેલથી મસાજ કરવું એ વાળને લાંબા કરવા માટેનું ઉત્તમ પ્રાકૃતિક ઉપાય છે. મસાજ કરતાં પહેલાં તેલને થોડુ ગરમ કરી લેવું. મસાજ કરવાથી માથાની ત્વચામાં લોહીનું પરિભ્રમણ વધે છે. જેનાથી વાળને પોષણ મળે છે. તેની સાથે વાળ મજબૂત અને ઘાટ્ટા બને છે. મસાજ માટે સરસિયું અને નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે. સરસિયનું તેલ નવશેકું ગરમ કરીને સ્નાન કરતાં પહેલાં માથામાં માલિશ કરવી અને અડધા કલાક સુધી તેલ લાગેલું રહેવા દેવું ત્યારબાદ વાળ ધોઈ લેવા. સપ્તાહમાં એકવાર ઓઈલ મસાજ અવશ્ય કરવું.

 

મેંહદી
મેંહદી એ વાળ માટેનું નેચરલ કંડીશનર છે. મેંહદીનું પેક લગાવવાથી વાળ મજબૂત અને ઘાટ્ટા બને છે. મેંહદી વાળને જડથી મજબૂત બનાવે છે. નિયમિત વાળમાં મેંહદી લગાવવાથી વાળ ખૂબ જ ઝડપથી વધે છે. મેંહદીના ઉપયોગ માટે એક કપ મેંહદી પાઉડરકમાં અડધો કપ દહીં નાખીને સરખી રીતે મિક્ષ કરીને લેવું. ત્યારબાદ અડધો કલાક માટે તેને રહેવા દેવું, પછી આ પેસ્ટને વાળમાં અને સ્કેલ્પમાં સરખી રીતે લગાવી રાખવું. આ પેસ્ચ સૂકાઈ જાય પછી તેને પાણીથી સરખી રીતે ધોઈ લેવું.

 

બટાકાનો રસ
બટાકાથી બનતી વાનગીઓ અને બટાકાનું શાક નાના-મોટા સૌનું ફેવરેટ હોય છે. મોટાભાગના લોકોને બટાકા ભાવતા જ હોય છે પરંતુ શું તમે જાણો છો કે બટાકા વાળને ઝડપથી વધવામાં પણ મદદ કરે છે. પરંતુ આના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ ખાસ પ્રયોગ માટે સૌથી પહેલાં બટાકાનો રસ કાઢીને તેને સ્કેલ્પમાં સરખી રીતે લગાવવું, પછી 15 મિનિટ બાદ વાળ ધોઈ લેવા. બટાકામાં વાળને પોષક મળે તેવા વિટામિન હોય છે જે વાળને લાંબા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

 

શિકાકાઈ
શિકાકાઈ અને આમળાના પાણીથી વાળ ધોવાથી વાળ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. તેના માટે શિકાકાઈ અને સૂકા આમળાને 25-25 ગ્રામની માત્રામાં લઈને થોડાક વાટીને તેના કટકા કરી લેવા, આ કટકાને 500 ગ્રામ પાણીમાં રાતે પલાળી દેવા. સવારે આ પાણીને સૂતરઉ કપડાંમાં મસળીને ગાળી લેવું અને તેનાથી માથામાં માલિશ કરવી. 10-20 મિનિટ બાદ સ્નાન કરી લેવું. આ રીતે શિકાકાઈ અને આમળાનાલ પાણીથી માથું ધોઈ અને વાળ સૂકાઈ જાય પઢી નારિયેળ તેલ લગાવવાથી વાળ લાંબા, ઘાટ્ટા, મજબૂત, સુંવાળા અને ચમકદાર બને છે

 

મેથી
મેથીનું વધુ સેવન વાળના સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. આ સિવાય વાળ જો ન વધતાં હોય તો તેના માટે મેથી દાણાનો પાઉડર બનાવી લેવું. ત્યારબાદ આ પાઉડરને થોડાક પાણીમાં પલાળી દેવું. આ પેસ્ટને વાળમાં અડધા કલાક માટે લગાવી રાખવું. ત્યારબાદ વાળ ધોઈ નાખવા, આ રીતે પ્રયોગ કરવાથી વાળ ફટાફટ વધે છે અને વાળના રોગો પણ દૂર થાય છે. વાળનું ડેન્ડ્રફ પણ જડથી દૂર થાય છે. આ પ્રયોગ સપ્તાહમાં એક કે બે વાર કરી શકાય છે.

 

કાકડી
કાકડી સ્વાસ્થ્ય માટે તો અત્યંત ગુણકારી હોય જ છે પરંતુ સાથે જ તે વાળને પણ સ્વસ્થ રાખે છે. કાકડીમાં સિલિકન અને સલ્ફરની માત્રા વધારે હોય છે આ કારણે તેના ઉપયોગથી વાળ બહુ જ જલ્દી વધે છે. તેના પ્રયોગ માટે સૌથી પહેલાં કાકડીનો રસ કાઢી લેવો. ત્યારબાદ આ રસથી વાળ ધોવા. આ સિવાય તમે કાકડીમાં ગાજર અને પાલકના રસને મિક્ષ કરીને તૈયાર કરેલો રસ નિયમિત પીવાથી પણ વાળને પોષણ મળે છે અને વાળ ઘાટ્ટા અને સ્વસ્થ થાય છે.

Source By : Divyabhaskar