દોસ્તી કી દાસ્તાન

0
415

“રફાળેશ્વર” નામનું નાનકડું એક ગામ હતું. ગુજરાતનું હ્રદય એવા સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલું રફાળેશ્વર તેના નામ કરતા મીઠી મહેમાનગતિ અને પ્રેમના પીરસાણ માટે જાણીતુ હતું. એક વખત કોઈ રફાળેશ્વરમાં આવી જાય તો ત્યારબાદ એ ત્યાના સ્નેહના સંગાથમાં એવું રંગાઈ જાય કે, તેને ત્યાંથી પાછા આવવાનું મન જ ના થાય. આવા રફાળેશ્વર ગામમાં એક મોહન કરીને પંદર સોળ વર્ષનો યુવાન રહેતો હતો. દસમાં ધોરણમાં ભણતો મોહન સ્વભાવે ખુબ જ મીઠડો છોકરો હતો.અભ્યાસમાં પણ તે મહેનતુ અને હોશિયાર હતો. મોહને ખુબ જ નાની ઉંમરે પોતાની માં ને ખોઈ દીધેલી માટે તે પ્રેમ અને સ્નેહનો ખુબ ભૂખ્યો હતો. લાગણીશીલ સ્વભાવ અને અભ્યાસમાં મહેનતુ હોવાના કારણે તેના ઘણા મિત્રો હતા.
એક દિવસ મોહને વિચાર્યું કે, એવું કાંઇક કરવામાં આવે જેથી અમે બધા મિત્રો દરરોજ મળી શકીએ, એકબીજાના સુખ દુ:ખ જાણી શકીએ, મિત્રતાને વધુ ગાઢ બનાવી શકીએ. આ વિચારને અમલમાં મૂકતા જ તેણે તેના બધા મિત્રોને ગામના પાદરે ભેગા થવાનું આમંત્રણ આપ્યું. સાંજના બધા મિત્રો ગામના પાદરે નક્કી કરેલા સમયે ભેગા થયા. બધાએ અલક મલકની વાતો કરી અને આનંદ કિલ્લોલ કરી ઘરે જવા છુટા પડ્યા. છુટ્ટા પડતી વખતે બધાએ નક્કી કર્યું કે, રોજ સાંજે અહી ભેગા થવાનું અને એકબીજાનાં સુખ દુ:ખ વહેંચવાના. સમય વિતતો ગયો અને ધીમે ધીમે ગામના અન્ય યુવાનો પણ આ મંડળીમાં જોડાતા ગયા.મોહન અને તેના મિત્રો ખુબ જ ખુશ હતા. આ નિયમથી બધા મિત્રો એકબીજાને મળી શકતા અને આખા દિવસનો થાક ઉતારી શકતા.

સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે એવું થવા માંડ્યું કે, અમુક મિત્રો દરરોજ કોઈને કોઈ કારણોસર આવી ન શકતા.ઘરની અને નોકરી ધંધાની જવાબદારીને કારણે દરરોજ આવવાનું શક્ય ન બનતું. આ બાબતને કારણે મોહન ખુબ જ વ્યથિત થઇ જતો. મોહનનો એવે આગ્રહ રહેતો કે, તેની મંડળીના દરેક મિત્રો સાંજે હાજરી આપે. મોહનના આ મિત્રવર્તુળમાં એક રમેશ કરીને યુવાન હતો. રમેશ બહુ ઓછો મંડળીમાં આવી શકતો. મોહન ઘણીવાર તેને પૂછતો કે, તું શા માટે નથી આવતો? પરંતુ રમેશ આ વાતનો કોઈ જવાબ ન આપતો. રમેશનો સ્વભાવ ખુબ જ અંતર્મુખી હતો. ખપ પુરતી જ લોકો સાથે વાતો કરતો.રમેશને તેના મિત્રો માટે ભારોભાર લાગણી હતી ખાસ કરીને મોહન માટે પરંતુ મંડળીમાં ભાગ્યે જ તે જઈ શકતો હોવાને કારણે મંડળીના અન્ય મિત્રોને મોહનના સમાચાર પૂછી લેતો. મોહન આ વાતથી ખુબ વ્યથિત રહેતો હતો કે, શા માટે રમેશ દરરોજ તેની મંડળીમાં નથી આવતો?મોહને રમેશને ઘણીવાર પૂછ્યું કે તે, શા માટે નથી આવતો પરંતુ રમેશ તરફથી તેને કોઈ સંતોષકારક જવાબ મળતો નહિ. રમેશ મંડળીમાં નથી આવતો એ મનદુ:ખની ગાંઠ મોહનના મગજમાં એટલી ગંઠાઈ ગઈ કે, ધીમે ધીમે તેણે રમેશ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું.આ બાજુ રમેશ દરરોજ કોઈકના ને કોઈકના દ્વારા મોહનના ખબર અંતર પૂછી લેતો.

એક દિવસ નિયમ મુજબ સાંજે પાદરે બધા મિત્રો ભેગા થયા પરંતુ આજે દરરોજ કરતા ઓછા સભ્યો આવેલા.મોહનને જાણવા મળ્યું કે, રમેશના બા લાંબા સમયની બિમારી બાદ આજે સાંજે જ દેવ થયેલા છે. આ વાત સાંભળીને મોહન ખુબ જ પોતાની જાત પર અફસોસ કરવા માંડ્યો કે , આજ સુધી તે રમેશ માટે કેટલુ નકારાત્મક વિચારતો રહ્યો!આજ સુધી તે એવું જ વિચારતો રહ્યો કે, રમેશને તેની મિત્રતાની કોઈ જરુર નથી. રમેશ લાગણીહીન અને સ્વાર્થી વ્યક્તિ છે. જ્યારે વાત તો કઈક જુદી જ હતી. રમેશને તેની બાનું ખુબ જ ધ્યાન રાખવુ પડતુ અને સેવા ચાકરી કરવી પડતી હતી. આ કારણોસર તે મંડળીમાં જવ્વલે જ આવી શકતો હતો.પોતાની ભૂલનો પસ્તાવો થતા જ તે મોહન પાસે દોડી ગયો અને તેની આ દુ:ખદ પરિસ્થિતિમાં સાથ અને સહકાર આપ્યો અને તેની હ્રદયપૂર્વક પોતાના અણછાજતા વર્તનની માફી માંગી. રમેશે તેના જોડલા હાથ નીચા કરીને કહ્યું કે, યારા મિત્રતા હાથ જોડવા માટે નહિ પરંતુ વિપરિત પરિસ્થિતિમાં મદદ માટે લંબાવવા અને ખભે હાથ મુકીને આશ્વાસન આપવા માટે હોય છે.

સારાંશ:- આ વાર્તા કહેવાનો સારાંશ એટલો જ છે કે, દરરોજ મળવું અને સુખ દુ:ખની વાતો કરવી એ જ મિત્રતા નથી પરંતુ વિપરિત સમયમાં ખડેપગે હાજર રહી અને સહકાર આપવો એ જ સાચી મિત્રતા છે.