સંબંધો નું પૃથ્થકરણ

0
666

આપણે આપણાં જીવન દરમિયાન ઘણાં ઉતાર ચઢાવમાંથી પસાર થતાં હોય છીએ. આપણાં રોજીંદા દિવસમાં આપણે કેટલાય વ્યક્તિઓ સાથે ટચમાં આવતા હોય છીએ. એ ઉપરાંત આપણાં નજીકના વર્તુળનાં વ્યક્તિઓ પણ ખરા જ ને ! થિએરિટિકલ તો આપણે સૌ જાણીએ જ છીએ કે, દરેક વ્યક્તિમાં વૈચારિક, બૌધિક, સામાજીક, અને આધ્યાત્મિક ફરક રહેલ છે. પણ આ જ વાત પ્રેક્ટિકલી આપણે અપણાં જીવનમાં લાવી શકતાં નથી અને તેથી જ આપણાં સંબધો જે બહું જ સરળ પણે ચાલે એ પરિણાત્મક રીતે સંભવ થતું નથી. હવે ધીરે ધીરે આપણે બધા જ પ્રકારના સંબંધો વિષે વાત કરીશું અને તેમાં પહેલાં જે નજીકનુ વર્તુળ છે ત્યાંથી શરૂઆત કરીશું.

આપણે સૌ પ્રથમ મા-બાપ છોકરાંના વ્યવહારથી શરૂ કરીશું.  જ્યારથી પતિ-પત્નિ ને ખબર પડે છે કે હવે એમનાં જીવનમાં એક નવા મહેમાનનું આગમાન થવા જઇ રહ્યું છે ત્યારથી જ એટલાં ખુશ-ખુશ થઇને બન્ને એનાં આગમનની તૈયારીઓ સાથે અનેક સપના સેવે છે. અને એ ખુશી ની ક્ષણ પણ આવીને ઊભી રહે છે. માં પોતાની પ્રસવની વેદનાઓ ભૂલીને ખુશી-ખુશી બાળકને આવકારે છે અને તેનાં લાલન-પાલનમાં લાગી જાય છે. અલબત્ત વર્કીંગ વુમન માટે થોડા સમય બાદ નોકરી કરવા માટે જવું પડે છે પણ બધી જ એરેંજમેન્ટ્સ કરીને ફમિલી લાઇફ અને પ્રોફેશનલ લાઇફ બ્ન્નેમાં બેલેન્સ રાખી ને બહું જ સરસ રીતે સંભાળી શકે છે અને હા આ વાત પતિના સાથ વગર શક્ય નથી હોતી એટલે બન્નેં પોતાની ભૂમિકાને જસ્ટિફાઇ કરે છે.

હવે બાળક ધીરે-ધીરે મોટું થવા લાગે છે. અને મા-બાપ પણ પોતની જવાબદારી પ્રમાણે બાળકને ખુબ સારી રીતે ઉછેરે છે. વર્ષો વીતતા જાય છે. બાળક ધીરે-ધીરે મોટું થતું થતું એના ‘ટીન્સ’ માં પહોંચે છે. હવે આ ઉંમરમાં  એનામાં ઘણાં-ઘણા ફેરફાર ઇન્ટરનલી થવા લાગે છે. અને હવે એને પોતાના મા-બાપ , “મને બધી વાતે ટોકે છે.’ એવું લાગવા માંડે છે. મા-બાપ અને છોકરાંઓ માં ઘર્ષણ શરૂ થઇ જાય છે. જે બાળક ને આટલાં લાલન-પાલન કરી ઉછેર્યું એ જ બાળક માટે તેમને દ્વેષ ભાવ થવા લાગે છે.  હવે અહીં સંબંધોનું વિશ્લેષણ કરીને આનો કોઇ તોડ ખોળવાને બદલે આ જ કંકાસ એમના જીવનનો એક અભિન્ન અંગ બની જાય છે.

આ સંબંધોમાં જો આપણે તટસ્થ રીતે પૃથ્થકરણ કરીએ તો ના તો મા-બાપ છોકરાઓને કોઇ દુઃખ દેવા માંગે છે તેમ જ ન તો છોકરાઓ !!! તો પછી શું કારણ છે આવું થવાનું? આપણાં દરેક સંબંધોમાં એક માલિકીભાવ હોય છે. અલબત્ત આમાં મિત્રતા બાકાત છે પણ અપવાદ રૂપે ત્યાં પણ ક્યારેક ક્યારેક આ જોવામાં આવે છે. માલિકીપણું એટલે વધારે પડતી અપેક્ષાઓ, મારો છોકરો-છોકરી છે, આટલું પણ કેમ ન સાંભળે? કેમ ન કરે? બગડી ગયા છે. અમે તો મા-બાપનું બધું જ કહ્યું કરતા હતા… વિ.. વિ…  લીસ્ટ બહું જ લાંબુ છે. આમાં આજના કોઇ મા-બાપ બાકત નથી. પણ જો તમે નિશ્ચ્ય કરો તો આનો પણ તોડ સંભવ છે. એક નવી દ્રષ્ટિથી, આ સંબંધોને ફરી જોવાથી. દરેક વ્યક્તિમાં સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકાર ના ગુણો અને અવગુણો હોય જ છે. એવું શક્ય જ નથી કે કોઇ ૧૦૦ ટકા સકારાત્મક હોય અને કોઇ ૧૦૦ ટકા નકારાત્મક હોય. એટલે આપણે એનાં પોઝિટિવ શું છે તેને જોવાના અને તેના પોઝિટિવ ગુણો ને ખીલવવાના અને નેગેટિવ્સ માટે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે ‘હે પ્રભુ ! આના નિગેટિવ્સ નીકળી જાય. અને મારે વઢ્યા વગર પ્રેમ થી સમજાવીને કહેવું છે.’ આમ કરતાં એના નેગેટિવ્સ ધીરે ધીરે ઓછા થતાં જાય છે. પણ આના માટે ધીર ગંભીર થવું બહું જ જરૂરી છે અને આ પ્રોસેસ લેન્ધી જરૂર છે પણ એના રીઝલ્ટ્સ મળતા હોય છે.

આપ સૌના વિચારો જરૂરથી જણાવશો.