ધરબાયેલો ચિત્કાર (ભાગ-2)

0
468

૬ મહિના પહેલા..

“ઘટા.. ઘટા.. ઘટા… ક્યા ગઈ ? અરે બાબા ક્યારનો તારી રાહ જોઇને નીચે બાઈક પાસે ઉભો છું, કેટલી વાર તૈયાર થતા ? ચલ ને યાર મોડું થઇ ગયું ઘણું.” ,થોડા અકળાયેલા અવાજે ઇશાન બોલ્યો.

“અરે બાબા આવું છું. સબ્ર કરો જાનેમન, સબ્ર કા ફલ મીઠા હોતા હૈ. તુમ્હારી જાન તૈયાર હો રહી હે તો થોડા તો વક્ત લગાયેગી હી.”,ઘટાએ અંદરથી જ મસ્તીભર્યા સુરે જવાબ આપ્યો.

પર્પલ અને વ્હાઈટ કલરની ચોલી, કાનમાં લટકતા લાંબા એરીન્ગ્સ, પર્પલ કલરની જ કપાળ પર લગાવેલી નાની બિંદી, હાથમાં પર્પલ કલરની મેચિંગ ચૂડીઓ, હોઠ પર લીપ્સ્ટીક, ચેહરા પર મેકઅપ, પગમાં નાની નાની ઝાંઝર છનછન કરી રહી હતી.એકદમ ઘાટમાં ઉપસેલા સ્તનોના ઉભાર ચોલીની પારદર્શિતાને કારણે આરપાર ડોકિયું કરી જતા હતા. થોડી ભરાવદાર કાયામાં આજે ઘટા એકદમ મનમોહક સુંદરી લાગી રહી હતી. ઘટા આમ ચેહરેથી થોડી ઘઉંવર્ણી શ્યામ હતી પરંતુ તે એક બ્લેક બ્યુટી હતી એટલે કોઈને પણ ગમી જાય એવી નમણી અને ચેહરા પરની માસુમિયતનાં લીધે એકદમ ક્યુટ પરી જેવી લાગતી.

ઘટા રેડી થઈને બહાર આવતા જ ઇશાન બે ઘડી માટે તો જોતો જ રહી ગયો અને આહ્કારો લેતા બોલ્યો, “હાયે, નઝર નાં લગે મેરી રાની કો કિસી કી” એમ બોલીને બાઈક સ્ટાર્ટ કરવા લાગ્યો.

બંને રેડી થઇને ઇશાનના કોઈક ફ્રેન્ડની પાર્ટીમાં જવા માટે નીકળી ગયા હતા. ઘટા ઇશાનની પાછળ એકસાઈડમાં બેઠી હતી,જો કે આજે પહેલીવાર આવી રીતે બેઠી હતી એટલે થોડી ડરી રહી હતી એના કારણે ઇશાનને મજબૂતીથી કસકીને બેઠી હતી.જો અંદરખાને તો યે બહાના હી થા ઓર સફર સુહાના બનાને કી સાઝીશે હો રહી થી. ઇશાન આજે મસ્ત મુડમાં બાઈક ચલાવી રહ્યો હતો અને સાથે સીટી વગાડી રહ્યો હતો અને ઘટા એ સીટીની જોડે અનુરૂપ ગીત “દો દિલ મિલ રહે હે, મગર ચુપકે ચુપકે” ગાઈ રહી હતી.

પાર્ટીમાં સૌથી હોટ કપલ તરીકે આજે ઇશાન અને ઘટા હતા. દરેકની નજરે એકવાર તો આ કપલને જોઈ જ લીધું હતું. આજુબાજુમાં ગણગણાટ પણ શરુ થઇ ગયો હતો કે એક મોટી કંપનીનો મેનેજીંગ ડાયરેક્ટર પોતાની ફિયાન્સને લઈને મોટીગાડીને બદલે બાઈક પર આવ્યો. પાર્ટીમાં રહેલી યુવાન સ્ત્રીઓની નજર ઇશાન પરથી નહોતી હટતી. કારણ કે, ઇશાન પણ એકદમ હેન્ડસમ, ફીટ બોડી અને ઘઉંવર્ણો હતો. એકદમ શેઈપમાં ટ્રીમ કરેલી દાઢી, બ્લેક સ્યુટમાં તે કોઈ હીરોથી કમ નહોતો લાગતો. જો કે ઇશાનને પહેલેથી જ એકદમ વ્યવસ્થિત રહેવાની ટેવનાં લીધે છોકરીઓ થોડીવાર માટે તો જોઈ જ લેતી અને આ વાત ઘટા પણ સારી રીતે જાણતી હતી.

પાર્ટીમાં ઇશાન અમુક લેડી જોડે હળીમળીને વાતો કરતો હતો, અમુક લેડીને ફોર્મલ રીતે ગળે મળીને હાઈ હેલો કરી રહ્યો હતો. આ બધું જોઇને ક્યારેક ઘટાને ઈર્ષ્યા પણ થઇ આવતી પરંતુ પછી પોતે જ ગર્વ કરતી કે જેની પાછળ આ બધી લાળ ટપકાવે છે એ મારો થનાર પતિ છે. ક્યારેક વિચાર પણ આવી જતો કે શું તેને આટલી સ્ત્રીઓ પાછળ પડેલી છે તો ક્યારેક તો કોઈક જોડે કશો સબંધ રાખ્યો નહિ હોય ? કોઈક તો એને આકર્ષિત કરતુ જ હશે ને ?

પાર્ટી પૂરી કરીને બંને બહાર ઉભા હતા, ઇશાન હજુ બાઈક લેવા જતો હતો ત્યાં જ ઘટા એ તેનો ફોન માંગ્યો કે, “તેને ઘરે ફોન કરવો છે, તેના ફોનની બેટરી ડેડ છે.”

ઇશાન કશું પણ બોલ્યા વગર આરામથી ફોન આપીને બાઈક લેવા જતો રહ્યો.

હજુ તો ઘટા નંબર સર્ચ કરીને ફોન લગાવવા જતી હતી ત્યાં જ ઇશાનના ખરાબ નસીબે વોટ્સેપ પર સેન્ડીના નામનો એક મેસેજ બ્લીંક થયો કે જે મેસેજ વાંચીને ઘટાની આંખો પહોળી થઇ ગઈ. આંખમાં લાલાશ ઉતરી આવી.

“Hey Baby, I am coming india today midnight flight. please come to pickup me baby. Loves you alot my Jaan. Bye.”

હજુ એટલું વાંચી રહી ત્યાં જ ઇશાન પોતાની બાઈક લઈને આવ્યો. ઘટા જાણે કશું થયું જ નાં હોય એમ મેસેજ બંધ કરીને ફોન સરખો કરીને ઇશાનને આપીને બાઈક પાછળ ચુપચાપ બેસી ગઈ. આ વખતે ઘટા ઇશાનને પકડવાની જગ્યાએ બાઈકની પાછળનું કેરિયર પકડીને બેઠી.

રસ્તા વચ્ચે પથરાયેલી શાંતિ ભંગ કરતા ઈશાને પૂછ્યું, “શું કહ્યું મમ્મીએ ?” ખોવાયેલી ઘટા અચાનક જાણે તંદ્રામાંથી બહાર આવી હોય એ રીતે જબકીને બોલી, “કશું નહિ, બસ એમ જ ફોન કર્યો હતો કે ક્યારે ઘરે પહોચીશ એ કહેવા માટે.”
“ઓકે”, રાત્રીના અંધકારમાં સુમસામ રોડ પર ઈશાને બાઈક ભગાવતા જવાબ આપી દીધો.
થોડી જ વારમાં ઘટાને ઘરે પહોચાડી અને ફટાફટ જ ઇશાન ત્યાંથી નીકળી ગયો. પરંતુ ઘટાના મગજમાં અનેક સવાલો મુકતો ગયો.

“મને તો ઇશાન પર પૂરો ભરોસો હતો પરંતુ આ શું જોયું મેં આજે ? ઇશાન મોડી રાત્રે તેને લેવા પણ જશે ? એવી તો કોણ છે આ કે જેને ઇશાન લેવા જવાનો હશે ? ઇશાન તે મારો ભરોસો તોડ્યો છે. હું તને એના માટે કદી પણ માફ નહિ કરું. આવું વિચારતા વિચારતા ઘટાની આંખોએ ઓશિકાના કવરને ભીનું કરી નાખ્યું હતું. ”

===***===***===

એરપોર્ટની ભીડમાં અનેક લોકો અવરજવર કરી રહ્યા હતા. આટલી બધી મોટી ભીડમાંથી દુરથી એક ટ્રોલી સાથે આવતી ૨૪ વર્ષની યુવતી દેખાઈ રહી હતી જેની પર ઇશાનનું બધું ધ્યાન કેન્દ્રિત થયેલું હતું.

ખુલ્લા કર્લી કથ્થાઈ-બ્લેક મિક્સ વાળ તો પણ જાણે રેશમ જેટલા જ સિલ્કી લાગી રહ્યા હતા જેની લટો વારાઘડીએ એ યુવતીના ચેહરાને ચુંબન કરવા આવી જતી હતી. લટો ચેહરા પર જતા ધ્યાન પણ ચેહરા પર ગયું તો લાગ્યું કે કોઈક હુર્રપરીને જોઈ લીધી હોય. કંઈક અલગ જ નુર હતું એ ચેહરાનું, થોડું લાંબુ ફેસકટ, લેન્સ પહેરેલી બ્લુ કલરની આંખો, લાંબુ પણ ચેહરાને યોગ્ય બેસે એવું નાક અને હોઠની ડાબી બાજુની કિનાર પર રહેલું પણ દુરથી પણ જોઈ શકાય એવું તલનું નિશાન જે એની નમણાશમાં વધારો કરી રહ્યું હતું. ભરાવદાર પણ થોડા લાંબા પાંદડી જેવા હોઠ અને એ હોઠની વચ્ચે સૈન્ય જેમ શિસ્તમાં કતારબદ્ધ ઉભું હોય એ રીતે ગોઠવાયેલા સફેદ રૂ જેવા દાંત, એ દાંતની જોડે જ જમણી બાજુના ખૂણા પર ઉપરની બાજુ મૌસમી ચેટરજીને છે તેવો ઉપસેલો એક વધારાનો દાંત જે તેની સ્માઈલના સૌન્દર્યમાં વધારો કરી રહ્યો હતો. બ્લશિંગ કરતુ એનું એ સ્માઈલ જમણી બાજુ રહેલા ગાલને જાણે ઓર્ડર કરી રહ્યું હોય અને ગાલ પણ જાણે એ ઓર્ડરની રાહ જોઇને જ બેઠા હોય એમ એક ડીમ્પલ પાડી રહ્યા હતા. ફક્ત એક જ ગાલ પર પડતું એ ડીમ્પલ જોઇને ઇશાનનું હૃદય એક ધબકારો ચુકી ગયું. “ઉફ્ફ.. કોઈ તો રોક લો.”

ગ્રીન કલરનું સ્લીવલેસ ટી-શર્ટ અને તેની પર પહેરેલું જીન્સનું જેકેટ, સાથળ સુધી જ પહેરેલું જીન્સનું શોર્ટ્સ, અને ગોઠણથી સહેજ જ નીચે સુધી રહેતા લાંબા બ્લેક હોલ શુઝ, એકદમ પ્રોફેશનલ યુવતી જેવી ચાલ, હાથમાં આઈ-ફોન અને બીજા હાથમાં ટ્રોલીનું હેન્ડલ પકડીને ચાલી આવતી સેન્ડી ઉર્ફે સંધ્યા મહેતા. પ્રબોધ મહેતાની એક ની એક લાડકી દીકરી કે જેને ઇશાન પીકઅપ કરવા માટે આવ્યો હતો.

૬ વર્ષની કાચી ઉમરે માં વિહોણી થઇ ગયેલી સંધ્યાને પ્રબોધ મહેતાએ હાથની હથેળી પર રાખીને ઉછેરી હતી. ૧૪ વર્ષની ઉંમરે તો તેને અમેરિકા મોકલી દેવામાં આવી હતી. આવી રીતે નાની ઉંમરે દીકરીને પોતાનાથી દુર તેની નાની બહેનના ઘરે મોકલી દેવા પ્રબોધ મહેતા પણ રાજી નહોતા પરંતુ મજબૂરીનાં કારણે તેને અમેરિકા મોકલવાની ફરજ પડી હતી. “સમય,સંજોગો અને પરિસ્થિતિ માણસને ગમે તે કરાવવા માટે તૈયાર કરી દેતું હોય છે.”

બાળપણમાં સંધ્યાને મોટી કરવામાં ઇશાનનો ફાળો પણ ઓછો નહોતો. સંધ્યાને એક માં સાચવે એવી રીતે ઈશાને તેને સાચવી હતી. તેની દરેક નાની-નાની જરૂરિયાતો, દરેક જિદ્દ ઇશાન પૂરી કરતો. સંધ્યાથી માત્ર ૩ વર્ષ મોટો ઇશાન તેને ખુબ જ લાડ લડાવતો અને ખુબ જ પ્રેમ કરતો. સંધ્યા માટે તો ઇશાન જ જાણે તેની દુનિયા હતી. તેના પાપાનું પણ ક્યારેક નાં માનતી સંધ્યા ઇશાનનાં એક નાનકડા ઈશારાને પણ સમજીને વાત માની લેતી. સંધ્યા એ હતી કે જેણે ઇશાનને ભણવા માટે તેના પાપાને કહીને સ્કુલમાં એડમીશન કરાવ્યું હતું. ઘરમાં નોકરની જગ્યાએ ઘરનો જ દીકરા તરીકે સ્થાન અપાવ્યું હતું. સામે ઇશાન પણ તેના પર કરાયેલા આ ઉપકારને કદી પણ ભૂલ્યો નહોતો. પ્રબોધ મહેતાને જ પોતાનો ગુરુ માનતો ઇશાન પ્રબોધભાઈનો પડ્યો બોલ જીલી લેતો.

એરપોર્ટની બહાર વેઈટીંગ એરિયામાં રાહ જોઇને ઉભેલા ઇશાનને કમ્પ્યુટરનાં ફોટામાં જોયા પછી નજર સામે જોતા જ સંધ્યા સીધી જ દોડીને ઇશાનના ગળે વળગી પડી. ઇશાન પણ સંધ્યાને આટલા વર્ષો પછી જોઇને થોડો ભાવુક થઇ ગયો હતો. જ્યારે સંધ્યા ઇશાનથી છૂટી પડી ત્યારે સંધ્યાની આંખો ઓલરેડી ભીની થઇ ચુકી હતી. ઈશાને પોતાના બંને હાથ વડે સંધ્યાનો ચેહરો પકડીને તેના આંસુ લૂછ્યા અને કપાળ ચૂમી લીધું. થોડીવાર માટે બંને વચ્ચેનું મૌન જ વાતો કરી રહ્યું હતું કે જે બંનેના દિલ અંદરોઅંદર સમજી રહ્યા હતા.

અચાનક જ ગાડીનો હોર્ન વાગતા બંને જણા જબકી ગયા અને ઈશાને લાવેલી પ્રબોધભાઈની મર્સિડીઝમાં ઘરે જવા માટે નીકળી ગયા.

===***===***===
બીજે દિવસે ઇશાન ઓફીસ જવાને બદલે સીધો જ સંધ્યાને મળવા તેના ઘરે પહોચી ગયો હતો. સંધ્યા તો હજુ સવાર સવારમાં સુતી હતી એટલે ઇશાનને આજે ઘણા વર્ષો પછી સંધ્યાને હેરાન કરવાનો મોકો મળી ગયો હતો. તેણે સંધ્યાને બંને બાવડા પકડીને હલબલાવીને ઉભી કરી પરંતુ સંધ્યા ઇશાનને ધક્કો મારીને પછી સુઈ ગઈ. અચાનક ઇશાન ત્યાં ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ જોઈ ગયો. તેણે સીધો જ એ ગ્લાસ હાથમાં લઈને સંધ્યાના ચેહરા પર ઢોળી દીધો અને સંધ્યા સફાળી બેઠી થઇ ગઈ. જોરથી ચિલ્લાઈને બોલી, “Ishu, You rascal, I will kill you.”

ઇશાન સીધો જ રૂમની બહાર જઈને દોડવા લાગ્યો અને સંધ્યા પણ તેની પાછળ પાછળ દોડી. નીચે પ્રબોધભાઈ તૈયાર થઈને બેઠા બેઠા છાપું વાંચી રહ્યા હતા અને ચાની ચુસ્કીઓ લઇ રહ્યા હતા. તેઓએ આ ધમાચકડી જોઈ અને સમયની સામે જોઇને હસવા લાગ્યા અને મનોમન વિચારી રહ્યા હતા કે હજુ તો ગઈ કાલે બંને સાવ નાના હતા અને આવી જ રીતે એકબીજાને હેરાન કરતા આખા ઘરમાં ધમપછાડા કરતા. એટલામાં જ ઇશાન દોડીને નીચે આવી ગયો અને પ્રબોધભાઈ જ્યાં બેઠા હતા તેની ફરતે ફરવા લાગ્યો અને સંધ્યા તેની પાછળ દોડતી હતી પરંતુ ઇશાન હાથમાં નાં આવતા આખરે થાકીને તે પોતાના પપ્પા પાસે બેસી ગઈ.

“પપ્પા, આ ઈશુને સમજાવો ને કઈક, તમારી દીકરીને હેરાન કરે છે. હું કેવું સરસ મજાનું સપનું જોઈ રહી હતી અને આ ઈડીયટે આવીને મારું સપનું તોડાવી નાખ્યું.” ,સંધ્યા થોડી ચીડ સાથે બોલી.

“બેટા સપના તો એ હોય છે જે ખુલ્લી આંખે જોવાયા હોય અને તેને સાકાર કરાયા હોય. આ તારી સામે જ બેઠેલો ઇશાન તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.”,પ્રબોધભાઈ પોતાની ટેવ મુજબ સીરીયસ થઇને બોલ્યા.

“એવા સપના નહિ પાપા, તમે ક્યારેય મને સમજી જ નથી શકતા, હુહ.”,સંધ્યા થોડી રિસાઈને બેસી ગઈ.
પ્રબોધભાઈ બધું જ સમજતા હતા કે છોકરી હવે મોટી થઇ ગઈ છે એટલે કેવા કેવા સપના જોતી હોય પરંતુ તે જાતે કરીને સંધ્યાને ચીડવવા માટે થઈને આવું બોલી રહ્યા હતા.

“સપનામાં શું જોઈ રહી હતી મારી ઢીંગલી ?” ,પ્રબોધભાઈએ થોડા હાસ્ય સાથે પૂછ્યું.

“એ તો હું લગ્નમંડપમાં બેઠી હતી અને ઈશ…” ,સંધ્યા બોલતા બોલતા અટકી ગઈ અને શરમાઈ ગઈ. મનોમન વિચારી રહી હતી કે હાશ ! તે ઇશાનનું નામ બોલતા અટકી ગઈ નહિતર પાપાને અને ઇશાનને ખબર પડી જાત. હું ઇશાનને નહિ કહું કે મને તારા પર લાગણીઓ છે પરંતુ ઇશાન સામેથી બોલશે એટલે તરત જ તેને હા પાડી દઈશ.

ઇશાન આખરે સંધ્યા સામે ગોઠણભેર બેઠો અને સંધ્યાને કહ્યું, “Sendy, We have surprise for you.”

આ સાંભળીને પ્રબોધભાઈ પણ સમજી ગયા કે ઇશાન શું કહેવા માંગતો હતો એટલે તેઓ પણ સંધ્યાના ચેહરા સામે જોવા લાગ્યા કે સંધ્યાના હાવભાવ શું હશે.
સંધ્યા પોતાના બંને હાથ પોતાના ગાલ પર મુકીને બોલી, “વાઉ ! શું સરપ્રાઈઝ છે ? પ્લીઝ જલ્દી કે ને.” ઈશાને પોતાનો ડાબો હાથ ઉંચો કરીને પોતાના હાથમાં રહેલી એન્ગેજમેન્ટ રીંગ બતાવી અને કહ્યું, “I got engaged with Ghataa.”

સટ્ટાક… સંધ્યાને કોઈકે જાણે અચાનક ૧૦૦ માળની બિલ્ડીંગ નીચે ફેંકી દીધી હોય એવો અહેસાસ થયો. શ્વાસની ગતિ રૂંધાઇ ગઈ. મગજ સાવ બ્લેન્ક થઇ ગયું, હૃદય પર જાણે કોઈકે મોટો પથ્થર મૂકી દીધો હોય એવી લાગણી થતા તે કશું જ બોલી શકી નહિ. ચેહરાની રેખાઓ તંગ થઇ ગઈ અને તે વારાફરતી ઇશાન અને પ્રબોધભાઈ સામે જોવા લાગી.

“ઊંઘના સપના જ્યારે જોવાય છે અને અધૂરે સપને જ્યારે ઊંઘ તૂટે ત્યારે માણસ મોટેભાગે એ સપનાઓને ભૂલી જતો હતો હોય છે પરંતુ જીવતી આંખે જોવાયેલા સપનાઓ જ્યારે તૂટે ત્યારે સઘળું નાશ પામતું હોય છે. માણસ અંદરથી સાવ વિખરાઈ જતો હોય છે. અત્યારે તેને પાપાએ કહેલી સપનાવાળી વાત યાદ આવી રહી હતી અને હૃદયથી ચીસો પાડી પાડીને જવાબ દઈ રહી હતી કે જીવતી આંખે જોયેલા સપનાઓ આ રીતે તૂટી જશે એ નહોતી ખબર પાપા, ઈશાને મારી ઊંઘ બગાડીને સપનું તોડ્યું એનો અફસોસ નથી પરંતુ આ વાત કહીને મારી જિંદગીના બધા જ સપનાઓ જાણે તોડીને વેરણ-છેરણ કરી નાખ્યા.”

અચાનક સંધ્યાના મુખ પર હાસ્યનો મુખવટો પહેરાઈ ગયો અને ઇશાનને ગળે વળગી ગઈ અને બનાવટી છણકા સાથે બોલી, “વાઉ ! કોન્ગ્રેચ્યુલેશન ઈશુ. હું ખુબ જ ખુશ થઇ આ સાંભળીને. તે ખરેખર ખુબ જ મોટી ગીફ્ટ આપી.” ક્યારે કરી સગાઇ ? સંધ્યાએ થોડી વધારે વાત જાણવા માટે પૂછ્યું.

છ મહિના થઇ ગયા.

“ઓહહ ! તો પાપા તમે પણ મને કેમ નહિ કહ્યું અત્યાર સુધી ? મને બોલાવી પણ નહિ સગાઇમાં ?” ,સંધ્યા તેના પાપા પર ગુસ્સો કરતા બોલી.”બેટા, તારી એક્ઝામ પછી તું તારી કોલેજની કોઈ ટુરમાં ગઈ હતી એટલે મને ઈશાને નાં પાડી હતી તને કશું પણ કહેવાની. એણે મને કહ્યું હતું કે એ પોતે જ તને જણાવીને સરપ્રાઈઝ કરવા માંગે છે.” ,પ્રબોધભાઈ આટલું બોલીને ત્યાંથી ઉભા થઈને પોતાની ઓફીસ જવા માટે નીકળી ગયા.

“હા પાપા, સરપ્રાઈઝ તો ઘણી થઇ હું આ ન્યુઝ સાંભળીને, અને સૌથી વધુ તો સરપ્રાઈઝ મને જિંદગીએ કરી છે આજે. આજે ખબર પડી કે ક્યારેક કોઈ માટે બનેલા સારા સમાચાર બીજા માટે દુઃખદાયક અને પીડાદાયક પણ હોય છે.” ,સંધ્યા સ્વગત બબડી રહી હતી.
ઈશાને સંધ્યાના ગોઠણ પર હાથ રાખીને સંધ્યાને હલાવી અને પૂછ્યું, “સેન્ડી, શું થયું ? કઈક સમજાય એવું તો બોલ, તું કહેવા શું માંગે છે ?”
“કઈ નહિ બસ એમ જ. Anyway again congo for your engagement. અને મારે આજે મારી અમુક ફ્રેન્ડસ જોડે બહાર ફરવા જવાનું છે તો મારે થોડું મોડું થાય છે તો હું રેડી થઈને નીકળું, તું પણ ઓફીસ જા, પાપા રાહ જોતા હશે તારી.” ,એમ બોલીને સંધ્યા ઝડપથી બાથરૂમ તરફ જતી રહી.

ઇશાન તેના મગજમાં ચાલી રહેલી ગડ્મથલને માપી નાં શક્યો. પરંતુ તેને તો મનમાં એવું કશું હતું પણ નહિ એટલે તે તો આરામથી ઓફીસ જવા માટે નીકળી ગયો.
બીજી તરફ સંધ્યા બાથરૂમમાં જઈને સીધી જ બાથટબમાં ઢળીને ફુવારામાંથી આવી રહેલા પાણી સાથે પોતાના આંસુઓ ભેગા કરીને નાહી રહી હતી.

===***===***===
થોડા દિવસ બાદ.

તને ખબર છે ઘટા ? આ સંધ્યા ખુબ જ તોફાની છે. એ મારી બચપણની દોસ્ત છે. એક એવી દોસ્ત કે જેની માટે હું મારો જીવ પણ આપી શકું. એ છે એટલે જ હું આજે અહિયાં સુધી પહોચ્યો છું. જો એ નાં હોત તો હું આજે એક મામુલી નોકર હોત.

“કોણ સંધ્યા ?” ,ઘટાએ હળવા અવાજે પૂછ્યું. “અરે ! સંધ્યા યાર. પ્રબોધ અંકલની દીકરી. જેની સાથે હું બાળપણથી રમીને મોટો થયો. સેન્ડી. તને મેં આના પહેલા પણ ઘણીવાત કરેલી જ છે ને. ભૂલી ગઈ ?” ,ઇશાન આરામથી વાત કરી રહ્યો હતો.

બીજી તરફ હવે ઘટાને “સેન્ડી” નામ સાંભળતા જ તે મેસેજ વાળી વાત યાદ આવી ગઈ અને ખબર પડી કે ઠીક આ સેન્ડી એ જ સંધ્યા છે. પરંતુ જો આ બંને માત્ર દોસ્ત જ હોય તો આ સંધ્યા ઇશાનને બેબી, જાન, લવ યુ જેવા શબ્દોથી શું કામ વાત કરતી હશે ? કે પછી ઇશાન મારાથી કશું છુપાવી રહ્યો છે ? ઘટાના મગજમાં શંકાના વાદળો ઘેરાઈ ચુક્યા હતા. વહેમનો કીડો એ વસ્તુ છે જે એકવાર માણસને કરડી જાય તો જિંદગીભર સુધી તેનો ઈલાજ થઇ શકતો નથી. એટલે જ તો કહેવાયું છે કે “વહેમની દવા ભગવાને કે માણસે બનાવી જ નથી.”

તને ખબર છે ઘટા ? સંધ્યા એકદમ અલગ છે. બધાયથી અલગ. જો કે બાળપણમાં તે જે સંધ્યાને ઓળખતો હતો તેના કરતા અત્યારની સંધ્યામાં ઘણો ફર્ક છે. બાળપણમાં ખુબ જ સેન્સેટીવ, મર્યાદાવાળી અને ભોળી સંધ્યા આજે વર્ષો પછી એકદમ બિન્દાસ્ત, બોલ્ડ અને અલ્લડ સેન્ડી બની ગઈ છે. તને ખબર છે તેને હું સંધ્યા બોલાવું ને તેનાથી પણ ચીડ છે. તે મને ઓલવેય્ઝ સેન્ડી નામથી જ બોલવાનું કહે.

છેલ્લી અડધી કલાકથી ઇશાન ઘટાની સામે સંધ્યાપુરાણ ખોલીને બેઠો હતો તેનાથી હવે ઘટા સળગી રહી હતી. તેનું મગજ સંપૂર્ણપણે ચકરાવે ચડી ગયું હતું. જ્યારથી આવ્યો છે ત્યારથી બસ સંધ્યા સંધ્યા સંધ્યા કરી રહ્યો છે. સંધ્યા આમ ને, સંધ્યા તેમ ને, એટલું બધું શું હશે તેની જોડે તેને ? ઘટાનો સહનશક્તિનો બંધ હવે તૂટી રહ્યો હતો. આખરે તે અકળાઈને બોલી, “તું મને અહિયાં તારી સંધ્યાની રામાયણ સંભળાવવા આવ્યો છે ?”

અચાનક આવેલા આવા સવાલથી ઇશાન થોડીવાર માટે હેબતાઈ ગયો. “અરે ઘટા, શું થયું તને ? અરે તે મારી દોસ્ત છે. તેની સાથે હું મોટો થયો છું. તો એના વિષે તને હું વાત કરું છું.”

“દોસ્ત છે એ તારી ? દોસ્ત છે ? તારો મોબાઈલ બતાવ તો.”,ઘટાનો ગુસ્સો હવે સાતમાં આસમાન પર હતો.

ઈશાને મોબાઈલ ઘટાને આપ્યો. અને ચુપચાપ તેની સામે ઉભો રહ્યો.

હજુ તો ઘટા મોબાઈલ શરુ કરે ત્યાં જ સેન્ડીના મેસેજ આવ્યા, “ઈશુ, પ્લીઝ મને મળવા આવને. આઈ એમ ફીલિંગ અલોન.” મેસેજ ઓપન કરતા જ આગળના કન્વરઝેશન જોયું અને ઢગલાબધ કિસ અને દિલના સિમ્બોલ અને આઈ લવ યુ લખેલા મેસેજીસ જોયા અને ઘટાનો મગજ સાવ એટલે સાવ બહેર મારી ગયું. તેણે મોબાઈલના એ મેસેજીસ ઇશાન સામે રાખ્યા. ઇશાન મોબાઈલ હાથમાં લઈને હજુ તો જોવા જતો હતો કે તે કોના મેસેજીસ બતાવી રહી છે ત્યાં તો ઘટાએ પોતાની એકટીવાને લીવર આપીને રસ્તા પર મારી મૂકી હતી.

ગુસ્સાને કારણે આજે એકટીવા ખુબ જ બમણી સ્પીડે ચાલી રહી હતી તે જોઇને ઇશાન પણ તેની પાછળ પાછળ બાઈક લઈને ગયો. થોડેદુર જતા જ ઘટાને ખ્યાલ પડ્યો કે તેની ગાડીમાં બ્રેક ફેઈલ થઇ ગઈ છે. પરંતુ સામે આવતી બસ જોઇને તે ધરબાઈ ગઈ.

છેલ્લીવાર જાણે ઇશાનને જોતી હોય એમ તેણે પાછળ નજર કરી અને…

વધુ આવતા અંકે.