સોમનાથ મંદિરનો ઉલ્લેખ પૌરાણિક અને પ્રાગૈતિહાસિક યુગમાં પણ જોવા મળે છે આથી સોમનાથ મંદિરમાં સ્થિત પ્રથમ જ્યોર્તિલીંગના ઉદભવનો ચોક્કસ સમય આપણને નથી મળતો. કહેવાય છે કે ચંદ્રદેવનાં લગ્ન દક્ષ પ્રજાપતિની સત્ત્યાવીસ નક્ષત્ર કન્યાઓ સાથે થયા પણ ચંદ્રને વિશેષ સ્નેહ રોહિણી માટે હતો. પ્રેમથી વંચિત રહેલી નક્ષત્ર કન્યાઓએ પિતાને ફરિયાદ કરી અને ગુસ્સે થયેલા દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ક્ષયનો શ્રાપ આપ્યો. શ્રાપના નિવારણ માટે ચંદ્રએ શિવલીંગની સ્થાપના કરી અને ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવજીએ પ્રસન્ન થઇ અને ચંદ્રના શ્રાપનુ નિવારણ કર્યુ અને શિવલીંગની પ્રથમ જ્યોર્તિલિંગ તરીકે સ્થાપના કરી. ત્યારથી ભગવાન શિવ અહી બિરાજમાન થયાં. આ પરંપરા અનુસાર આ સ્થળ આસ્થાનું મંદિર બન્યું. સોમનાથ મંદિર એ કદાચ એક માત્ર એવું ધાર્મિક સ્થળ છે જેને દરેક યુગમાં સર્જન અને સંહાર બંન્ને જોયા છે. દરેક યુગમાં સોમનાથ મંદિર સાથે અનેક કથાઓ જોડાયેલી છે. સોમનાથ મંદિરને સુવર્ણ મંદિર તરીકેની ઓળખ સોલંકી યુગમાં મળેલી જોવા મળે છે. સોલંકી રાજાઓ શિવ ભક્ત હતાં. તેમના સમયમાં પ્રભાસ પાટણ સફળતાના શિખરે પહોચ્યું હતું. આ ક્ષેત્ર વેપાર વાણિજ્યનું મુખ્ય મથક બન્યુ હતુ. શ્રધ્ધાળુઓ પાસેથી આવતી દાનની રકમ તથા સોલંકી રાજાઓએ પોતાના ખર્ચે સોમનાથ મંદિરમાં લગભાગ ૧૫૬ જેટલા સ્તંભમાં સોના, મોતી તથા હીરા જડાવ્યા હતાં. સોના , મોતી અને હીરાથી ઝગમગાતા સોમનાથ મંદિરની આભા જોઇ મહૂમદ ગઝની ચકિત થઇ ગયો. સોમનાથનો કિલ્લો આલીશાન હતો.લોકો કિલ્લો બંધ કરીને લડવાની તૈયારી કરવા લાગ્યા. વિધર્મીઓની આ પહેલી ચઢાઇ હતી. પહેલા દિવસની લડાઇમાં ઘણા મુસલમાન માર્યા ગયા. બીજે દિવસે કોટ ઉપર ચઢવાના પ્રયત્નમાં પણ તેઓ ન ફાવ્યા. મહૂમદ જાણતો હતો કે તેને અહી કોઇ જગ્યાએથી મદદ મળવાની નથી જ્યારે સોમનાથના લડવૈયાને ચારેબાજુથી મદદ મળી રહેશે. ભીમદેવ પણ શાંત બેઠો નહોતો. તે સૈન્ય એકત્ર કરી રહ્યો હતો ત્યારે મહૂમદ જેમ બને તેમ ઝડપથી લઢાઇનો અંત લાવવા માંગતો હતો. એનું મઝહબી લશ્કર મરણીયું થઇ લડતું હતું. મહૂમદે તેના લશ્કરના નાના નાના ભાગ કરીને એક ટુકડીને કિલ્લાની આગળની તરફ મોકલી અને અન્ય ટુકડીઓને અલગ અલગ દિશામાં મોકલી અને પોતે ભીમદેવ જે દિશા તરફથી આવી રહ્યો હતો તે તરફ ગયો. આ રણનિતીને કારણે હિંદુરાજાઓને એકત્ર થવાની તક ના મળી. ભીમદેવ સાથે ખુનખાર લડાઇ થઇ જેમા બન્ને પક્ષે મોટી નોકશાની થઇ. અંતે ભીમદેવ હાર્યો. મહૂમદ રહેલા થોડાક સૈનિકો સાથે સોમનાથના કિલ્લા પાસે પહોચ્યોં. મહૂમદ તેના સૈન્ય સાથે મંદિરમાં ગયો. તેણે શિવલીંગને ગદાથી તોડી નાખ્યું અને તેના ટુકડા તે તેની સાથે ગઝની લઇ ગયો. સોમનાથના પુજારીઓએ મહૂમદને ઘણો સમજાવ્યો અને મૂર્તિનું ખંડન ન કરવા કહ્યું પરંતુ મહૂમદ ના માન્યો.
મહૂમદે અઢળક ખજાનો લૂંટ્યો. હવે તેને આ ખજાનો લઇ ગઝની પહોચવાનું હતું અને તેના અનેક સૈનિકો માર્યા ગયા હતા. હવે તેની ચિંતા વધી ગઇ હતી. આટલી મહેનત પછી લૂંટેલો ખજાનો અને ધન જો પાછું જતુ રહે તો?
થોડા દિવસો પહેલા જ આપણે દૂબઇમાં બહુ ધામધૂમથી શિવરાત્રીની ઉજવણી કરી. બહુ લાંબી કતાર આપણે મંદિરની બહાર જોઇ. લોકો “હર હર મહાદેવ” ના નારા લગાવતા જોવા મળ્યાં છતાં ક્યાય કોઇ રોકટોક નહી , ડર નહી. આ બે તદન વિરુધ્ધ ઘટનાને સાથે જોઇ તો એક તરફ આપણા જ દેશમાં આપણુ જ મંદિર સુરક્ષિત નથી અને બીજી તરફ ગલ્ફ દેશમાં આપણે કેટલા સુરક્ષિત છીએ તેનો અનુભવ થાઇ છે.
આ મનુષ્યની માનવતાની અને ધર્મની પ્રગતિનુ ઉત્તમ ઉદાહરણ છે.