હેમંતકુમાર – જેમને આપણે સહુ હેમંતદા’ના નામે ઓળખીએ છીએ, એન્જીનીયરીંગ કૉલેજમાં દાખલ થયા હતા. સંગીતના શોખના કારણે તેમણે ઇજનેરીનો અભ્યાસ છોડ્યો. પરમાત્માએ તેમને પત્થરના પુલ બનાવવાને બદલે માનવ હૃદયોને જોડવાનાં ભાવનાત્મક પુલનું નિર્માણ કરવાનું કામ સોંપ્યું હોય તેવું લાગે છે. શરૂઆતમાં તેમણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ખાંસાહેબ ફૈયાઝખાનસાહેબ પાસે લીધું, પરંતુ ખાંસાહેબના નિધનને કારણે શાસ્ત્રીય સંગીત અધવચ્ચે મૂકીને રવીંદ્રસંગીત તથા બંગાળના આધુનિક સંગીત તરફ વળ્યા. રવીંદ્ર સંગીતમાં તેમણે ગાયેલા ગીતો બેજોડ ગણાયા. ખાસ કરીને ‘મોને રોબે કિના રોબે આમારે’, ‘પાગલા હવા, બાદલ દિને’, ‘મન મોર મેઘેર સંગી, ઉડે ચલે દિગ્ દિગંતેર પાને’ તેમના પછી અનેક ગાયકોએ ગાયા. એટલું જ નહિ, અમારી અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીઓમાં બંગાળી મહિલાઓ અને અફસરો આ ગીતો શોખથી ગાતાં, અને હજી પણ ગાય છે! પણ હેમંતદા’એ જે રીતે કવિગુરૂના શબ્દોને, સંગીતને મૂર્ત બનાવ્યું, વાહ! આ ગીત તો હેમંતદા’નું જ ગણાય!
તેમણે સૌથી પહેલું હિંદી ગીત ગાયું હોય તો તે ફૈયાઝ હાશમીનું ‘કિતના દુ:ખ ભુલાયા તુમને, પ્યારી!’ (ગયા અંકમાં જિપ્સીએ તેની માન્યતા પ્રમાણે લખ્યું હતું કે તેમનું પહેલું ગીત ‘આંચલસે ક્યું બાંધ લિયા’ હતું. કદાચ તે ભુલ ભરેલી માન્યતા હોય!)હેમંતદા’ના સમકાલિન ગાયકો હતા જગન્મય મિત્ર – જેમને આપણે સુરસાગર જગમોહનના નામે ઓળખીએ છીએ, ધનંજય ભટ્ટાચાર્ય (જેમણે ‘યાત્રિક’માં ‘તુ ખોજતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’ ગાયું હતું) જેવા ગાયકો. અંગ્રેજી સાહિત્યમાં જેમ Romantic Period હતો, તેવો તે સમયે બંગાળમાં રોમૅન્ટીક, પ્રેમ ગીતોનો યુગ હતો. જગમોહન – ખેર, આજની વાત હેમંતદા’ની છે. જગમોહનની વાત ફરી કદી! તેઓ તો સુરસાગર જ હતા! બન્નેએ જુદા જુદા માર્ગ અપનાવ્યા અને બન્ને પોતપોતાના ક્ષેત્રમાં અનન્ય નીવડ્યા. ગમે તે હોય, હેમંતદા’ની વાત નિરાળી જ છે.હેમંતદા’એ હિંદી ફિલ્મોમાં ગીતો ગાયા અને લોકોના હોઠે રમવા લાગ્યા! તેમણે ફિલ્મ અનારકલીમાં ગાયેલી બાગેશ્રી ‘જાગ દર્દે ઇશ્ક જાગ/દિલકો બેકરાર કર’ પણ એવું ગીત છે, કોઇ તેને કદી ભુલી શક્યું નથી. તેમનો forté હતો ઉર્દુ શાયરોની આર્દ્રતાભરી ગઝલ પેશ કરવાનો.
અગાઉ જણાવ્યા પ્રમાણે તેમણે ગાયેલું ‘પત્થરકી તરહ હો દિલ જીસકા‘ તો આપે સાંભળ્યું જ હશે. પણ ત્યાર બાદ તેમણે ગાયેલ ‘જાને વો કૈસે લોગ થે..‘ એવી હૃદયસ્પર્શી હતી, રસિકો ઘણી વાર વિમાસણમાં પડતા કે હેમંતદા’એ ગાયેલી આ ગઝલને કારણે, સચીન દેવ બર્મનના સંગીત, ગુરૂ દત્તના અભિનયને લીધે કે પછી કવિની કરૂણાંતિકા-કથાને કારણે ‘પ્યાસા’ ફિલ્મ પ્રખ્યાત થઇ હતી. હકીકત તો એ છે કે આ બધા કલાકારો-સર્જકોએ તેના સર્જનમાં પોતાની ભાવનઓનું તેમાં સિંચન કર્યું હતું, તેથી. ત્યાર પછી હેમંતદા’એ ગાયેલી ‘તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ’, હજી પણ શ્રોતાને તેના સ્નેહ જગતમાં લઇ જાય છે. છેલ્લા અંતરામાં તેઓ એવી હળવાશથી કહે છે, ‘મુખ્તસરસી બાત હૈ, તુમસે પ્યાર હૈ..’ સાંભળીને કોઇ પણ યુવતિ યુવાનના પ્રેમનો સ્વીકાર કરી લે! આપને તેમનું ‘યહ નયન ડરે ડરે હુવે‘ યાદ છે?’ કેવી હળવાશથી તેઓ જાણે પ્રેયસીના કાનમાં આ વાત ન કહેતા હોય! જિપ્સીને તેની કિશોરાવસ્થામાં સાંભળેલ તેમનું ગીત ‘મૈં સાઝ બજાઉં, તુમ ગાઓ!’ તેના પ્રિય ગીતોમાંનું એક બની ગયું છે.
હેમંતદા”એ સંગીતકાર તરીકે baton સંભાળ્યો, ત્યારે તેમણે ‘નાગિન’ જેવી સામાન્ય કથાને એવી હિટ ફિલ્મ બનાવી, ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તેનાં ગીતોની રૅકર્ડ્ઝના વેચાણમાંથી જ ફિલ્મનો ખર્ચ નીકળી ગયો! ત્યાર પછી હેમંતદા’ના સંગીત પર વૈજયન્તીમાલાએ કરેલા નૃત્યો અભૂતપૂર્વ ગણાયા. ખાસ કરીને ‘મૈં આયી રે તેરે લિયે સારા જગ છોડકે’ ગીત પર કરેલા તેમનાં નૃત્યે તો ધમાલ મચાવી હતી. (અહીં વૈજયન્તીમાલાના નૃત્યની વાત કરીએ તો હેમંતદા’એ રચેલા આ ગીત બાદ તેમણે કોઇ ફિલ્મમાં ઉત્તમ નૃત્ય કર્યું હોય તો તે ‘જયુએલ થીફ’માં ‘હોઠોંપે ઐસી બાત’ હતું જેને જિપ્સી ન ભૂતો ન ભવિષ્યતિ ગણે છે! આવાં નયનરમ્ય, કલાપૂર્ણ નૃત્યો ફરી કદી રૂપેરી પરદા પર રજુ થયા નથી.) તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘ખામોશી’નાં ગીતોએ તો માનવીની ભાવનાઓને સૂરમય બનાવી દિધી. તેમના નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલ ગીત ‘વો શામ, કુછ અજીબ થી‘હજી પણ ‘તે’ સંધ્યાને તાજી બનાવી દે છે. આવો હતો હેમંતદા’નો જાદુ! તેમને પ્રત્યક્ષ સાંભળવાનો જેમણે લહાવો લીધો છે તેઓ જેટલી તેમના ગીતોના આસ્વાદથી અભિભૂત થયા એટલા જ તેમની વિનમ્રતાથી ગદ્ગદ્ થયા છે. આપણા મિત્ર શ્રી. માર્કન્ડભાઇએ ગયા અંકમાં આની વાત લખી છે તે આની સાક્ષી પૂરે છે.
હેમંતદા’ના સંગીતની શી વાત કરીએ! અને તેમણે ગાયેલાં ગીતોની! તેમના સંગીતને આપણે માણી શક્યા તે આપણું સદ્ભાગ્ય જ ગણાય.
Article submitted by Mr. Narendra Phansey:
An old soldier, occasional writer (“Bai” and “Jipsini Diary” in Gujarati and “Full Circle” in English) and blogger. Have more than eighty good teachers, each one a year of my life, which have given me valuable experiences and lessons; two great beacons of life – my parents who have lit the path of my life; four great companions – my consort, daughter, son and grandson; numerous friends who have been loyal and courage-givers in stressful times. This blog is a homage to all these wonderful pillars of my strength.